આજે આપની સમક્ષ નવનીત સમર્પણ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો માહિતીસભર ~ અભ્યાસ લેખ પોસ્ટ કરવા જઈ રહી છું. આ લેખ મેક્સિકોની સંસ્કૃતિ સાથે જોડાયેલ એક ખાસ પ્રકારની હેટ એવી - સોમ્બ્રેરો હેટ પરનો છે; જે અત્યારે ત્યાંની સ્ટાઈલ આઈકોન બની ગઈ છે. જાણો કે, કઈ રીતે મજૂરો માટે બનાવવામાં આવેલી હેટ ત્યાંના લોકોની સ્ટાઈલ આઈકોન બની ગઈ??
મેક્સિકન સોમ્બ્રેરો હેટ | About Sombrero Hat | નવનીત સમર્પણ મેગેઝિન
પહેલાંના જમાનામાં સૂર્યનાં તડકાંથી બચવા આપણાં વડીલો પાઘડી, ફાળિયું વગેરે પહેરતાં, અને અત્યારે એની જગ્યા કેપ - હેટ વગેરેએ લઈ લીધી છે. માથું એ આપણા શરીરનું કેન્દ્ર તેમજ મહત્ત્વનું સ્થાન હોવાથી, એ ઠંડુ તેમજ સુરક્ષિત રહે એ બહુ જ જરૂરી છે. આપણે સૌ ટોપીઓ વિશે તો જાણતાં જ હશું, પરંતુ આજે આપણે એક એવી ટોપી વિશે વાત કરવાની છે, જે શરૂઆતમાં તો સૂર્યનાં તડકાથી બચવા મજૂરો માટે જ બનાવવામાં આવી હતી, પરંતુ એ એટલી બધી પોપ્યુલર થઈ ગઈ કે તે ત્યાંનાં લોકોની ફેશનનો એક ભાગ બની ગઈ, એટલે કે સ્ટાઈલ આઈકોન બની ગઈ. મેક્સિકન નામ સાંભળતાં જ આપણાં મનમાં એક પહોળી ટોપી પહેરેલો ગિટાર વગાડતો વ્યક્તિ દેખાશે. એ ગિટાર વગાડતો વ્યક્તિ માથા પર જે હેટ પહેરે છે, તેનું નામ મેક્સિકન સોમ્બ્રેરો હેટ છે. આ લેખમાં આપણે જાણીશું - મેક્સિકન સોમ્બ્રેરો હેટનો સામાન્ય પરિચય, ઉત્પત્તિ - ઈતિહાસ, પ્રકાર તેમજ વિશેષ બાબતો વિશે.
સોમ્બ્રેરો હેટ વિશે વાત કરતાં પહેલાં કેપ - Cap અને હેટ - Hat વચ્ચેનો સામાન્ય તફાવત સમજી લઈએ. બંનેનું કામ એક પરંતુ એનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હેતુસર થાય છે. ક્યાંક તે ફેશનની જેમ છે, તો ક્યાંક એ કોઈ યુનિફોર્મનાં ભાગરૂપે છે. હેટ અને કેપ એમ બંને શ્રેણીમાં ઘણાં પ્રકારની ટોપીઓ જોવા મળે છે.
હેટનો ઉપયોગ મોટે ભાગે ફેશન તરીકે થાય છે. તે એક પ્રકારનું સ્ટેટસ સિમ્બોલ છે, જે પ્રસંગોને અનુરૂપ પહેરવામાં આવે છે તેમજ કપડાં સાથે મેચિંગ પહેરવામાં
આવે છે. હેટ વચ્ચેથી અણીદાર ટોચ અથવા ગોળ અને ચારેકોરથી પહોળા ગોળાકાર બોર્ડરવાળી હોય છે, જે સંપૂર્ણપણે ચહેરાને ઢાંકે છે. હેટ એ ઈન્ફોર્મલ છે. તે ડેકોરેટીવ હોય છે. હેટનાં પ્રકારો જેમ કે - પનામા, કાઉબોય, બીની, બકેટ વગેરે.
કેપની વાત કરીએ તો, એ માથાની ફરતે ગોળ - પહોળા કાંઠાવાળી નથી હોતી, તે માત્ર માથાની સાથે સાથે આંખને જ તડકાંથી ઢાંકે છે. કેપની આગળની બાજુએ સીધો પહોળો વળાંકવાળો કાંઠો હોય છે, તેને વાઈઝર કહેવામાં આવે છે. કેપનો ઉપયોગ ઘણી જગ્યાએ યુનિફોર્મમાં થાય છે જેમ કે - પોલીસ, એરફોર્સ, આર્મી, નેવી, એરલાઈન્સ તેમજ દરેક રમતગમતનાં ક્ષેત્રમાં વગેરે. કેપ એ ફોર્મલ છે, અને તે ફોર્મલ રંગમાં જ હોય છે. તે સિમ્પલ હોય છે, ફંકી - ડેકોરેટીવ નથી હોતી.
પહેલાં સોમ્બ્રેરો હેટનો સામાન્ય પરિચય લઈશું.
સોમ્બ્રેરો હેટ એ મેક્સિકન પરંપરાની એક પહોળા કાંઠાવાળી ટોપી છે. સોમ્બ્રેરો એ સ્પેનિશ શબ્દ " સોમ્બ્રા " પરથી લેવામાં આવેલ છે, જેનો અર્થ છાંયડો થાય છે. જેનો મુખ્ય હેતુ - "સૂર્યનાં તાપથી ચહેરાને રક્ષણ આપવું" એ હતો. આ ટોપી મુખ્યત્વે તો બહાર ખેતરમાં કામ કરતાં કામદારો માટે જ બનાવવામાં આવી હતી. મેક્સિકોમાં સૂર્યનું તાપમાન વધુ હોવાથી ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ ટોપી બનાવવામાં આવી હતી, જે કામદારોને સૂર્યનાં સખત તાપથી રક્ષણ આપતી. આ ટોપી એટલી પહોળી બનાવવામાં આવી હતી કે એ ચહેરાની સાથે ખભાને પણ ઢાંકી શકતી. અંગ્રેજી બોલતા દેશોમાં સોમ્બ્રેરો હેટ, કોઈ પોઈન્ટેડ ક્રાઉનવાળી (અણીદાર ટોચ) હેટને કહેવામાં આવે છે, જ્યારે સ્પેનિશ બોલાતા દેશોમાં લગભગ તમામ પ્રકારની હેટ જે પહોળી બોર્ડરવાળી હોય તેને સોમ્બ્રેરો કહેવામાં આવે છે. મેક્સિકોની બહાર સ્પેનિશ બોલતા દેશોમાં સોમ્બ્રેરો " સોમ્બ્રેરો મેક્સિકાનો " અથવા તો "સોમ્બ્રેરો મેજીકાનો " તરીકે ઓળખાય છે. મેક્સિકોમાં સોમ્બ્રેરોને " સોમ્બ્રેરો ચારો " કહેવામાં આવે છે, આ તેનું આખું નામ છે.
સોમ્બ્રેરો હેટ મુખ્યત્વે મેક્સિકનમાં મારિયાચી દ્વારા પહેરવામાં આવે છે. મારિયાચી એ ત્યાંના લોક સંગીતકારોનું ગ્રુપ છે. તે લોકોએ રંગબેરગી પોશાકો સાથે ભરત ભરેલાં, મણકા તેમજ સોનેરી પટ્ટાવાળી આ સોમ્બ્રેરો હેટ પહેરેલી હોય છે. જેવાં કપડાં, એવી જ હેટ હોય છે અને હાથમાં ગિટાર લઈને ત્યાંના લોકગીતો ગાતાં હોય છે. આ કલાકારો ગીત દ્વારા એક પ્રેમકથા રજૂ કરે છે. સોમ્બ્રેરો હેટ સાથે ત્યાંનો એક ટ્રેડિશનલ ડાન્સ પણ બહુ પ્રખ્યાત છે, જેને જરાબી ટેપટીઓ - Jarabe Tapetio કહેવામાં આવે છે. જેમાં ડાન્સર્સ આ હેટ પહેરીને એકદમ ડાન્સ કરે છે. સોમ્બ્રેરો વગર મેક્સિકોનો આ ડાન્સ અધૂરો ગણાય છે. ત્યાંના ટ્રેડિશનલ હોર્સ મેન " ચારોસ " Charros પણ આ હેટ પહેરે છે. સોમ્બ્રેરો હેટ એ વચ્ચેથી પહોળા

શંકુ આકારની હોય છે, તે શંકુ આકાર ભાગ ચારેકોરથી ચપટો (જેની ટોચ અમુક હેટમાં સહેજ નીચે વળેલી) હોય છે. એની ચારેકોર ગોળાકાર પહોળી કિનારીઓ હોય છે; જે આખા ચહેરાની સાથે ખભાને ઢાંકી દે છે. હેટની પહોળી કિનારીઓ અલગ અલગ બોર્ડરવાળી તેમજ તે ઉપરની તરફ વળેલી હોય છે. સોમ્બ્રેરો અલગ અલગ રંગ, કદ, ડિઝાઈનમાં જોવા મળે છે. મેક્સિકન સોમ્બ્રેરો હેટ ૬૦ સેમી જેટલા પહોળાં કિનારાવાળી હોય છે. અન્ય દેશોની સોમ્બ્રેરો મેક્સિકન સોમ્બ્રેરો કરતાં થોડીક ઓછી પહોળી જોવા મળે છે. સોમ્બ્રેરો હેટ બનાવવામાં વેલ્વેટ, ઊન, felt, રંગબેરંગી સોનેરી પટ્ટી, રંગબેરંગી મણકા તેમજ અન્ય ડેકોરેશનની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સસ્તી સોમ્બ્રેરો હેટ વજનમાં હળવી અને સસ્તી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, જ્યારે મોંઘી સોમ્બ્રેરો હેટ વજનમાં ભારે હોય છે તેમજ તે મોંઘા ભાવની - ટકાઉ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. મેક્સિકન સિવાય સોમ્બ્રેરો હેટ અમેરિકા, ફિલિપાઈન્સ, સ્પેન વગેરે જેવા દેશોમાં પણ જોવા મળે છે.
હવે સોમ્બ્રેરો હેટની ઉત્પત્તિ વિશે જાણીશું.
આમ તો સોમ્બ્રેરોની ઉત્પત્તિ વિશે બહુ જ અલગ અલગ મત મતાંતરો જોવા મળે છે, પરંતુ સોમ્બ્રેરોનું મુખ્ય ઉત્પત્તિ સ્થાન મેક્સિકો જ માનવામાં આવે છે. સોમ્બ્રેરો જેટલા દેશોમાં પણ ઉદ્ભવી હતી, તેની સાથે કોઈ ખાસ કારણ કે હેતુ જોડાયેલો હતો. સોમ્બ્રેરોની ઉત્પત્તિ પહેલાં પણ એનાં જેવી ટોપીઓ ઉપલબ્ધ હતી જ, પરંતુ એની ઑફિશિયલ આઈડેન્ટીટી નહોતી; એ માત્ર નોર્મલ હેટની જેમ જ ગણાતી.
જે લોકોએ સોમ્બ્રેરો હેટને પહેલીવાર જોઈ હશે, ત્યારે તેને "કાઉબોય હેટ" જ કહી હશે. આ હેટ ઘોડેસવારો દ્વારા પહેરવામાં આવતી. સોમ્બ્રેરોનો ઈતિહાસ ૧૩મી સદી આસપાસનો છે. એવું કહેવામાં આવે છે કે - સોમ્બ્રેરો હેટ સૌપ્રથમવાર મંગોલિયન ઘોડેસવાર પાસે જોવા મળી હતી. ત્યાંના સખત તડકાંથી બચવા ઘોડેસવારો આ હેટ પહેરતાં, એ સમયે તેને "કાઉબોય હેટ" તરીકે ઓળખવામાં આવતી.
મેક્સિકોમાં કઈ રીતે આવી ?? એની વાત કરીએ તો, સોમ્બ્રેરો હેટ મેસ્ટિઝો દ્વારા બનાવવામાં આવેલ હતી. મેસ્ટિઝો એ યુરોપ અને નેટીવ અમેરિકામાંથી આવેલ કામદારો હતા, જે મેક્સિકો અને દક્ષિણ અમેરિકામાં કામ કરતાં. મેક્સિકોના સખત તડકાંથી તપતાં ખેતરોમાં કામ કરવું મજૂરો માટે ખૂબ જ મુશ્કેલ હતું, અને પાછું ત્યાં હરિયાળું વાતાવરણ પણ નહોતું. ત્યાં વૃક્ષો પ્રમાણમાં બહુ ઓછા હતા, તેમજ તડકાંથી બચવા માટેનાં કુદરતી સ્ત્રોતો નહોતાં. એટલા માટે આ મજૂરોએ આ ધગધગતી ગરમીના તાપથી બચવા એક પહોળી કિનારીવાળી મોટી ટોપી બનાવી. આ ટોપી એટલી પહોળી બનાવવામાં આવી કે એ માત્ર ચહેરા અને આંખો જ નહીં પરંતુ ખભા સુધીના ભાગને તડકાંથી રક્ષણ કરતી. આ ટોપી સુકા ઘાસનાં તણખલા અથવા તો તાડ વૃક્ષનાં પાનમાંથી બનાવવામાં આવતી.
સોમ્બ્રેરો શબ્દ પોતે જ સ્પેનિશ છે, એટલે એનો ઉદ્ભવ સ્પેનમાં થોડો ઘણો હશે. ૧૭મી સદી સુધી સ્પેનનાં લોકો
સોમ્બ્રેરો કોર્ડોબ્સ " નામની હેટ પહેરતાં, જે કોર્ડોબા અને એંડલસિયા પ્રદેશની પરંપરાગત હેટ હતી. સ્પેનમાં બનતી સોમ્બ્રેરો ટોપી વચ્ચેથી અણીદાર, પ્રમાણમાં નાની અને ૮ થી ૧૨ સેમી જેટલી પહોળી બોર્ડરવાળી હતી. એવું માનવામાં આવે છે કે - સોમ્બ્રેરો આવ્યા પહેલાં સ્પેનિશ વસાહતીઓની આ હેટ " સોમ્બ્રેરો કોર્ડોબ્સ " દુનિયા સમક્ષ આવી ગઈ હતી.
ફિલિપાઈન્સ દેશની વાત કરીએ તો, ત્યાં મનીલા ગેલીઅન ટ્રેડ થકી આ સોમ્બ્રેરો હેટ આવી હતી. સન - ૧૫૬૫ થી ૧૮૧૫ સુધીમાં મનીલા (અત્યારનું ફિલિપાઈન્સ), આકાપુલ્કો અને ન્યૂ સ્પેન (મેક્સિકો) વચ્ચે જે વેપાર થતો હતો, તે મનીલા ગેલીઅન ટ્રેડ તરીકે ઓળખાતો. આ વેપાર થકી મેક્સિકન સોમ્બ્રેરોનો પણ ફિલિપાઈન્સમાં પ્રભાવ દેખાયો હતો.
કોલંબિયાનાં ઝેનુ આદિવાસી લોકોની પણ પોતાની શૈલીની સોમ્બ્રેરો હેટ છે. એ હેટ એટલી નરમ સામગ્રીમાંથી બનાવવામાં આવતી કે - એને ગમે ત્યાં સંકેલી કે બેવડી વાળીને મુકી શકાય અને ફ્લેક્સિબલ એટલી કે જ્યારે આ હેટ પહેરવા માટે ખોલીએ ત્યારે એનાં મૂળ (આકાર) સ્વરૂપમાં આવી જાય છે, અને તેને સીધી કરીને પહેરી શકાય છે.
હવે આપણે, સોમ્બ્રેરોનાં પ્રકારો વિશે જાણીશું.
મેક્સિકોમાં સોમ્બ્રેરો હેટના દેખાવ અને ડિઝાઈન પરથી પણ વ્યક્તિનું સામાજિક અને આર્થિક સ્તર કેટલું છે એ ખબર પડી જતું. સોમ્બ્રેરોનાં તેની ડિઝાઈન, ગુણવત્તા તેમજ ઉપયોગને આધારે પ્રકાર પાડવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે :
(૧) કિનસેનો : આ સૌથી પ્રાથમિક શ્રેણીની તેમજ સૌથી સામાન્ય સોમ્બ્રેરો છે. જે પહોળી કિનારીવાળી તેમજ વજનમાં હળવી હોય છે. આ હેટ સુકા તણખલાં, તાડ વૃક્ષની સ્ટ્રોમાંથી તેમજ અન્ય સસ્તાં મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. રોજબરોજનાં ઉપયોગ માટે તેમજ બહાર જતી વખતે આ હેટ પહેરવામાં આવે છે. આ હેટ મુખ્યત્વે સૂર્યનાં સખત તાપથી બચવા માટે પહેરાતી હોવાથી, આમાં બહુ ડેકોરેશન નથી હોતું. આ હેટ સસ્તાં ભાવે મળી રહે છે.
(૨) ડિએચિનુએવે : આ સોમ્બ્રેરો હેટ કિનસેનો કરતાં થોડીક વધારે ટકાઉ, ઉચ્ચ ગુણવત્તાવાળી અને વધારે ડિઝાઈનવાળી હોય છે. ડિએચિનુએવે સોમ્બ્રેરો હેટ બનાવવામાં થોડુક મોંઘુ મટીરિયલ વાપરવામાં આવે છે તેમજ તેનાં પર વધારે ભરતગૂંથણ કરવામાં આવે છે. આ હેટ તમે કસ્ટમાઈઝ બનાવી શકો છો, જેમાં વ્યક્તિની પસંદનાં આધારે એને ડિઝાઈન કરવામાં આવે છે; એની પસંદનું ફેબ્રિક, ડેકોરેશન, કલર વગેરે. કિનસેનો કરતાં આ હેટ થોડીક મોંઘી હોય છે. પ્રસંગને અનુરૂપ કપડાં સાથે આ હેટનું મેચિંગ કરી શકો છો.
(૩) વેઈનટ્યુનો : વેઈનટ્યુનો હેટ એ ડિએચિનુએવે કરતાં પણ સારી ગુણવત્તાવાળી અને દેખાવમાં ઉત્કૃષ્ટ
હોય છે. આમાં ડિઝાઈન થોડીક વધારે હોય છે તેમજ વધુ સારા મટીરિયલમાંથી બનાવવામાં આવી હોય છે.
(૪) વેઈન્ટીસિએટે : સોમ્બ્રેરો હેટમાં આને સૌથી ઉચ્ચ કક્ષાની હેટ માનવામાં આવે છે. આ હેટ ભરાવદાર તેમજ નરમ ઊનમાંથી બનાવવામાં આવે છે તેમજ એમાં અતિ બારીકાઈથી જટિલ ડિઝાઈનો (ભાતો) બનાવવામાં આવે છે. આ હેટ કદમાં થોડીક મોટી હોય છે, પરંતુ એટલી ફ્લેક્સિબલ હોય છે કે એને સંકેલીને કે બેવડ વાળીને પર્સમાં મૂકી શકો છો. અને પહેરવાં માટે જ્યારે એને ખોલીએ, ત્યારે પહેલાંની જેમ જ એના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. અન્ય સોમ્બ્રેરોની તુલનાએ આ હેટ બનાવતાં એક મહિનો લાગે છે. આ હેટ કિંમતમાં પણ બહુ જ મોંઘી હોય છે.
(૫) ફૂલ સોમ્બ્રેરો : આ પ્રકારની સોમ્બ્રેરો હેટ બહુ જ વિશાળ અને વજનદાર હોય છે. આ હેટ એક જ રંગની તેમજ થોડાંક અમથાં ભરતકામ સાથેની હોય છે. આ હેટ felt નામના કાપડમાંથી બને છે; જેમાંથી ગૃહ સુશોભનની વસ્તુઓ, ક્રાફટ આઈટમ, કપડાં વગેરે બનાવવામાં આવે છે.
(૬) પરંપરાગત સોમ્બ્રેરો : પરંપરાગત સોમ્બ્રેરો એ કોઈ પારંપરિક કાર્યક્રમ કે નૃત્ય હોય ત્યારે, માત્ર અને માત્ર સંગીતકારો તેમજ નૃત્યકારો દ્વારા જ પહેરવામાં આવે છે. આ હેટ બહુ મોટી - વજનદાર હોવાથી એને રોજબરોજ ન પહેરી શકાય.
(૭) આધુનિક સોમ્બ્રેરો : અત્યારની આધુનિક સોમ્બ્રેરો આધુનિક રીતે અલગ અલગ થીમ મુજબ બનાવવામાં આવે છે, જેમ કે - બીચ પર પહેરવાની, પાર્ટીમાં પહેરવાની, કાર્નિવાલમાં પહેરવાની વગેરે. અત્યારે માત્ર અને માત્ર સ્ત્રીઓ માટે જ અને એ પણ ફેશનના હેતુથી જ બનાવવામાં આવે છે.
વિશેષ બાબતો :-
- ઘણાં લોકોનું એવું માનવું છે કે - તેની શોધ હાલિસ્કોની રાજધાની ગ્વાડાલાહારાથી આવેલા ઘોડેસવારોએ કરી હતી, એ લોકોએ એના યુનિફોર્મનાં ભાગરૂપે સોમ્બ્રેરો હેટને ઉપયોગમાં લીધી હતી.
- ટેક્સાસથી આવેલા ઘોડેસવારોએ પણ સોમ્બ્રેરોનો ઉપયોગ સૂર્યનાં સખત તાપથી રક્ષણ મેળવવા કર્યો હતો.
- સોમ્બ્રેરોને હવામાં ઉડતી બચાવા માટે તેના વચ્ચેનાં ગોળાકાર ભાગની ફરતે પતલી પટ્ટી - chin strap બાંધવામાં આવે છે.
- સ્પેનમાં બનતી સોમ્બ્રેરો હેટ એ ચોમાસામાં છત્રીની જેમ કામ કરે છે. તેની કિનારીઓ પહોળી - સપાટ હોવાથી વરસાદનું પાણી નીચે પડી જાય છે.
- મેક્સિકન સંગીતકારો દ્વારા જે પરંપરાગત સોમ્બ્રેરો હેટ પહેરવામાં આવે છે, તે સોમ્બ્રેરો હેટમાંની સૌથી વિશાળ હેટ છે.
- વર્ષ : ૧૯૭૬ માં રિચાર્ડ બ્રેટીગન દ્વારા લિખિત જાપાની નવલકથા "sombrero fall out "માં સોમ્બ્રેરોનો મહત્ત્વપૂર્ણ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Sombrero | Sombrero hat history | Mexican hat | informative | general knowledge | educational | Mexican hat | must read | Gujarati magazine | navneet samarpan magazine | vishakha mothiya | article writing | article published | my writing | informative article | creative writing | types of sombrero hat | knowledge is power | reading | writing | gujarati gyan | gujarati mahiti | knowledge sharing | interesting | WordPress blogger | knowledgeable | mahitisabhar | abhyas lekh | Gujarati Writer | writer | jarabe tapatio | sombrero hat dance | Gujarati Sahitya | style icon | informational
Video
No comments:
Post a Comment